અમદાવાદ જીલ્લાના બાવળા શહેર અને તાલુકામાં પડેલા ભારે વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે અને રોગચાળો ન ફેલાય તે હેતુસર સ્થાનિક આરોગ્ય તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. શૈલેશ પરમાર અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.રાકેશ મેહતાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સરવે અને અન્ય કામગીરી માટે કર્મચારીઓની ટીમ બનાવામાં આવી હતી. દરેક ટીમને અલગ – અલગ વિસ્તારોની જવાબદારી સોંપીને ફિલ્ડ વિઝીટ અને સરવેની કામગીરી કરવામાં આવી હતી. ૧૫ જેટલી ટીમો દ્વારા બાવળા શહેરમાં નાગરિકોના ઘરે જઈને રોગચાળો ન ફેલાય તે હેતુસર પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તેમજ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તમામ હેલ્થ ટીમ દ્વારા સમગ્ર બાવળા નગરપાલિકા વિસ્તારમાં સરવે દરમ્યાન ૮૫ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બાવળા નગરપાલિકા વિસ્તારમાં જ્યાં જયાં વરસાદી પાણી ભરાયેલ છે ત્યાં તથા કાદવ-કીચડવાળી જગ્યાએ ડસ્ટીંગ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત, સગર્ભા માતાઓનાં ઘરે જઈને તેમની આરોગ્ય સંભાળ સંદર્ભે વિઝીટ કરવામાં આવે છે.
તંત્ર દ્વારા ફિલ્ડ સરવેમાં ઝાડા-ઉલટી તથા તાવ શરદી વાળા કેસોનો સર્વે કરીને સારવાર કરવામાં આવી હતી. બાવળાના તમામ બોરના પાણીનું સુપર કલોરીનેશન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાવળાના શહેરીજનોમાં રોગચાળો ન ફેલાય એ હેતુસર આરોગ્ય ટીમ દ્વારા આઈ.ઈ.સી તથા આરોગ્ય શિક્ષણ આપવાની પણ કામગીરી કરવામાં આવી હતી.
અટલ હોલ, બાવળા ખાતે શરૂ કરવામાં આવેલા શેલ્ટર હોમ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો, ભારે વરસાદને પરિણામે પાણી ભરાવાના લીધે અસર પામેલા વિસ્તારોના નાગરિકોની આરોગ્ય ચકાસણી કરીને તેમને જરૂરી સારવાર મેડિકલ કેમ્પ અંતર્ગત પૂરી પાડવામાં આવી હતી.
ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. અંકિતા રબારી સ્થાનિક આરોગ્યતંત્રની કામગીરી વિશે જણાવ્યું હતું કે બાવળામાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે અને સ્થાનિકોની આરોગ્ય સંભાળ બાબતે સ્થાનિક આરોગ્ય તંત્રની ટીમ સજ્જ છે. ફિલ્ડ સરવે, પોરાનાશક કામગીરી સહિત લોકોને આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા સહિતની કામગીરી પ્રગતિમાં છે. હાલની ઋતુમાં શું કરવું, શું ના કરવું, ખાન પાન, સ્વચ્છતા સહિતની બાબતો પ્રત્યે સ્થાનિકોમાં સભાનતા કેળવવા અને રોગચાળાના નિયંત્રણ માટે કામગીરી કરવામાં આવી રહી છે.