રાજ્યમાં 550 જેટલી સ્કીમોને આખરી મંજુર થઈને અમલમાં

ગુજરાતમાં શહેરીકરણનો વધી રહેલો વ્યાપ જોતા રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 800 જેટલી ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કિમોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ગત વર્ષ એટલે વર્ષ 2025માં જ 119 ટીપી સ્કિમોને મંજૂરી આપવામાં આવી છે. આ એક દાયકામાં રાજ્યમાં કુલ 550 જેટલી સ્કીમોને આખરી મંજૂરી મળી જતા અમલમાં છે.
ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં એક નવો ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં રાજયમાં 800 જેટલી ટીપી સ્કિમોને મંજૂરી આપી છે. જેમાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે, ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત વર્ષમાં એટલે કે વર્ષ 2025માં એક જ વર્ષમાં રાજ્યના વિવિધ શહેરોમાં 119 જેટલી ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કિમોને આખરી મંજૂરી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર અગાઉ વિજય રૂપાણીની સરકારમાં દર વર્ષે સરેરાશ 80થી 90 જેટલી ટીપી સ્કિમોને મંજૂરીઓ આપવામાં આવતી હતી. રાજ્યમાં આટલી ઝડપથી વિવિધ શહેરોમાં ટીપી સ્કિમોને બહાલી આપવામાં આવી રહી છે તેમ છતાં રાજ્યના વિવિધ શહેરોમાં હજુ 100 જેટલી ટીપી સ્કિમોને બહાલી આપવાની બાકી રહી ગઈ છે. આ સિવાયની બાકીની ટીપી સ્કિમોને સરકાર દ્વારા આખરી મંજૂરી આપી દેવામાં આવતા રાજ્યમાં શહેરીકરણની સાથોસાથ આર્થિક વિકાસને પણ વેગ મળશે.
રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 550 જેટલી ટીપી સ્કિમોને આખરી મંજૂરી મળી જતા અમલમાં આવી ગઈ છે. જયારે રાજયમાં 100 જેટલી ટીપી સ્કિમોને મંજૂરી આપવાની બાકી રહી છે તેને આ વર્ષના અંત સુધીમાં આખરી મંજૂરી મળી જાય તેવી સંભાવના સેવવામાં આવી રહી છે.