એસસી બેંકના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિ સહકાર મંત્રી જીતુવાઘાણીએ જીએસસી બેંકની યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ કરાવ્યો

સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અમદાવાદમાં જીએસસી બેંકના યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ(ક્યુઆર કોડ) સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ (જીએસસી) બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત સહકાર મંત્રીશ્રીના હસ્તે જીએસસી બેંક અને એડીસી બેંકના ગ્રાહકો અને સહકારી મંડળીઓને ક્યુ-આર કોડ વિતરણ કરવામાં આવ્યા હતા.
સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આજે દેશમાં દરેક ક્ષેત્રે અવિરત વિકાસ થઈ રહ્યો છે. ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા અનેકવિધ અભિયાનો દેશના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે સહકાર ક્ષેત્રે પણ આજે ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ થકી આજે સરકારી સેવાઓ, સહાયો અને સબસિડી સીધા લાભાર્થીના ખાતામાં જમા થાય છે.
સહકાર મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે બચતના આપણા સ્વભાવને બેન્કિંગ અને અર્થતંત્ર સાથે સુપેરે જોડવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં આજે સહકાર વિભાગ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. દેશના પ્રથમ સહકાર મંત્રી તરીકે તેમણે દેશના સહકાર ક્ષેત્રના માળખાને મજબૂત કરવા અનેકવિધ નવીન ઉપક્રમો શરૂ કરાવ્યા છે. ‘સહકારથી સમૃદ્ધિ‘ના મંત્રને સાકાર કરતાં વ્યાપક પરિણામો દેશના સહકાર ક્ષેત્રે આપણે જોઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.
સહકાર ક્ષેત્રે જીએસસી બેંકની સેવાઓને બિરદાવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઊજવી રહ્યું છે ત્યારે સહકાર ક્ષેત્રે ડિજિટલાઇઝેશન અને ટેક્નોલોજીનો વ્યાપ વધારીને ગ્રાહકોને વધુને વધુ સારી સેવાઓ આપતા જીએસસી બેંકના નવીન પ્રકલ્પો અને સેવાઓ ખરેખર આવકારદાયક છે. જીએસસી બેંકની અનેકવિધ સેવાઓમાં આજે એક નવી સર્વિસનો ઉમેરો થઈ રહ્યો છે. સેવા સહકારી મંડળીઓ સુધી આજે ડિજિટલ સેવાઓ જીએસસી બેંક પહોંચાડી રહી છે.
સહકાર ક્ષેત્રે સતત સુવિધામાં વધારો, મેનપાવર માટે યોગ્ય તાલીમ, સાયબર સિક્યોરિટી અવેરનેસ અને ડિજિટલ સેવાઓના વ્યાપમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે કામ કરતી આ બેન્ક ‘કો-ઓપરેશન અમોંગ કો-ઓપરેટિવ‘ના મંત્રને સાકાર કરી રહી છે. સાથે જ, મંત્રીશ્રીએ જીએસસી બેંકની વિવિધ સિદ્ધિઓને બિરદાવી હતી.
ત્રિભુવન સહકાર યુનિવર્સિટી, સહકારી સંસ્થાઓની ડેટા બેન્ક, સહકાર ક્ષેત્રની ભારત ટેક્સી, સહકાર ક્ષેત્રે નેશનલ ડિજિટલ અમ્બ્રેલા સહિતના સહકાર ક્ષેત્રના પ્રગતિમાન અને ભાવિ નવીન પ્રકલ્પોનો પણ સહકાર મંત્રીશ્રીએ આ તકે ઉલ્લેખ કર્યો હતો. સાથે જ, મંત્રીશ્રીએ પ્રાકૃતિક કૃષિ તથા ઝીરો બજેટ ખેતીનો વ્યાપ વધારવા યોગદાન આપવા સહકારી ક્ષેત્રને અનુરોધ કર્યો હતો. સહકારી સંસ્થાઓને જરૂરી સહકાર પૂરો પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલા ઐતિહાસિક રાહત પેકેજ અને ટેકાના ભાવની ખરીદીની જાહેરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતોની પડખે ઊભી છે.
ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક(જીએસસી બેંક)ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌ પ્રથમ અલાયદા સહકાર વિભાગની જવાબદારી શ્રી અમિતભાઈ શાહને સોંપી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકાર ક્ષેત્રે અનેકવિધ નવીન પ્રકલ્પો અને ઉપક્રમો થકી સહકાર ક્ષેત્રે ક્રાંતિ આણી છે. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં સહકાર ક્ષેત્ર મહત્ત્વનો ભાગ ભજવશે. આજે સહકાર ક્ષેત્રે ડિજિટલાઇઝેશનનો વ્યાપ વધારીને સહકાર ક્ષેત્રેને મોડર્ન બનાવીને વધુને વધુ લોકોને સહકાર ક્ષેત્રે જોડવામાં આવી રહ્યા છે.
શ્રી અજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના સહકાર મોડલની નોંધ આજે દેશભરમાં લેવાઈ રહી છે. માઇક્રો એટીએમ, ટચ પોઇન્ટનો વિસ્તાર, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સાયબર સિક્યોરિટી સહિતના મુદ્દે આજે જીએસસી બેંક સતત કામગીરી કરી રહી છે. એ જ દિશામાં આજે મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા(ક્યુઆર કોડ) અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ થઈ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
જીએસસી બેંકના યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસના શુભારંભ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન શ્રી જેઠાભાઈ આહિર, સહકાર વિભાગના રજિસ્ટ્રાર શ્રી એમ.પી.પંડ્યા, જીએસસી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નાબાર્ડ તથા એનપીસીઆઈ અને સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.