આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’જાહેર : ‘કોંગ્રેસ આપને દ્વાર’અને ‘જનમંચ થકી.લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવી

આણંદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી અલ્પેશ પઢિયાર, આણંદ શહેર પ્રમુખ શ્રી મહર્ષિ પટેલ, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ, મીડીયા પ્રવક્તા શ્રી મુકેશ પંચાલ, મીડિયા પેનલિસ્ટ શ્રી વિરેન્દ્રસિંહ ચાવડા દ્વારા આણંદ શહેરનો મેનિફેસ્ટો કોંગ્રેસનું કમિટમેન્ટ રજૂ કરવામાં આવ્યું
તાજેતરના મહિનાઓમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ‘કોંગ્રેસ આપને દ્વાર’ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આણંદ શહેરના તમામ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દરેક ઘર સુધી પહોંચ્યા હતા અને રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત શિક્ષણ, રસ્તા, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર પ્રજાના પ્રત્યક્ષ સૂચનો મેળવી ‘જનતાનો મેનિફેસ્ટો’ તૈયાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, શહેરમાં જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પરથી પ્રાપ્ત થયેલી ફરિયાદો અને ગેરવહીવટના પુરાવાઓને આધારે જનતાની અપેક્ષાઓ મુજબનું આ વચનપત્ર તૈયાર કરાયું છે. આ કમિટમેન્ટ અભિયાન મુઠ્ઠીભર લોકોના હિત માટે નહીં, પરંતુ આણંદના બહોળા જનસમૂહના હક અને અધિકાર માટે છે.
આજરોજ આ મેનિફેસ્ટો રજૂ કરતા કોંગ્રેસના નેતૃત્વએ જણાવ્યું હતું કે, “આ મેનિફેસ્ટો એટલે સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાયની કટિબદ્ધતા છે. કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ છે કે તેણે જ્યારે પણ જે કંઈ કહ્યું છે તે કરીને બતાવ્યું છે. આજના આધુનિક ભારતનો પાયો કોંગ્રેસે જ નાખ્યો છે. દેશના મોટામાં મોટા શહેરથી માંડીને નાનામાં નાના ગામની નગરરચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ છે.”
આણંદ શહેર માટે કોંગ્રેસનું કમિટમેન્ટ:
૧. મહિલા અને યુવા રોજગાર:
નવી AC સિટી બસની વ્યવસ્થા ઊભી કરીશું, જેમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનોને નિઃશુલ્ક મુસાફરી કરાવીશું.
જો મહિલાના નામે ઘરની નોંધણી કરવામાં આવશે, તો તે ઘરનો સંપૂર્ણ ઘરવેરો માફ કરીશું.
યુવાનો આજના જમાનાની સ્કિલ ડેવલપ કરી રોજગારી મેળવી શકે તે હેતુથી દરેક ઝોનમાં AI આધારિત વ્યાવસાયિક કોર્સની નિઃશુલ્ક તાલીમ આપીશું.
નગરપાલિકાની તમામ નોકરીઓમાં તાત્કાલિક અને કાયમી ભરતી કરીશું અને તેમાં સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપીશું.
૨. સ્વાસ્થ્ય:
નગરપાલિકા હસ્તગત નવી આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરીશું, જ્યાં ૨૪ કલાકની ઇમર્જન્સી સારવાર, ટ્રોમા સેન્ટર, આઈસીયુ વોર્ડ, ગાયનેકોલોજિસ્ટ, બાળકોના ડોક્ટર, બ્લડ બેંક અને ઓપરેશન સેન્ટર જેવી તમામ સુવિધાઓ ઊભી કરીશું.
હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમની તહેનાતી કરીશું.
વોર્ડ દીઠ ૨૪/૭ સેવા આપતા હેલ્થ સેન્ટર્સ શરૂ કરીશું.
હેલ્થ સેન્ટર્સમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને CT સ્કેન જેવી સુવિધાઓ વિનામૂલ્યે આપીશું.
સિનિયર સિટિઝનોને ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની દવાઓ ફ્રી આપીશું.
૩. પાણી, ગટરવ્યવસ્થા અને સ્વચ્છતા:
શહેરમાં સવારે અને સાંજે બે વખત પૂરતા પ્રેશર સાથે પીવાનું શુદ્ધ પાણી આપીશું.
દિવસમાં બે વખત ‘ડોર-ટુ-ડોર’ કચરો ઉપાડવાની સુવિધા આપીશું.
શહેરમાં સુનિયોજિત રીતે નવી ગટરરચના કરીશું અને નગરપાલિકામાં આવતા તમામ વિસ્તારોને તેમાં આવરી લઈશું.
૪. શિક્ષણ:
ખાનગી સ્કૂલોને પાછળ પાડી દે તેવી નગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓ બનાવીશું.
શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓનું આધુનિકીકરણ કરીશું અને ‘સ્માર્ટ ક્લાસરૂમ્સ’ થકી શિક્ષણ આપીશું.
તમામ શાળાઓમાં તાત્કાલિક અને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરીશું.
૫. નગરરચના:
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદ તથા શ્રી જવાહરલાલ નેહરુજી દ્વારા શિલાન્યાસ કરાયેલ આઝાદ ભારતની પ્રથમ શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરને સ્વતંત્ર રાખવું એ કોંગ્રેસ પક્ષની માંગ છે.
શહેરના દરેક ઝોનમાં રમતગમતના મેદાન બનાવીશું, જ્યાં ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસ જેવી રમતોનું નિઃશુલ્ક કોચિંગ આપીશું.
દરેક વોર્ડ દીઠ બાગ અને બગીચા બનાવીશું.
શહેરના તમામ મુખ્ય વિસ્તારોના રસ્તા પહોળા કરીશું અને ત્યાં પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવીશું.
શહેરના તમામ વિસ્તારોને LED સ્ટ્રીટ લાઈટથી કવર કરીશું.
ફેરિયા, લારી-ગલ્લાવાળા, પાથરણાવાળા અને નાના વ્યાપારીઓને લાઈસન્સ આપી વ્યાપારિક માન્યતા આપીશું; સાથે જ દરેક વોર્ડમાં તેમના માટે વિશેષ માર્કેટ ઊભું કરીશું.
સામાન્ય શહેરીજનો માટે મૂળભૂત સુવિધાઓથી સજ્જ સરકારી આવાસો ઊભા કરીશું.
રસ્તે રઝળતા પશુઓ માટે ‘શેલ્ટર હોમ’ની સુવિધા ઊભી કરીશું અને ગાયો માટે વિશેષ ગૌશાળાઓ બનાવીશું.
દરેક નાગરિક પોતાના પ્રસંગ ઉજવી શકે તે હેતુથી બહુમાળી કોમ્યુનિટી હોલ બનાવીશું અને હાલના કોમ્યુનિટી હોલનું નવીનીકરણ કરીશું.
પૂર્વ પટ્ટીના વિસ્તારમાં પાણીની સુવિધા માટે નવી પાણીની ટાંકીનું નિર્માણ કરીશું.
પક્ષના નેતૃત્વએ અંતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અમારો આ મેનિફેસ્ટો એ માત્ર કોઈ વચનપત્ર નથી, આ અમારું આણંદની જનતા સાથેનું ‘કમિટમેન્ટ’ છે, જેને અમે સત્તામાં આવતાની સાથે જ પૂરું કરવા માટે કટિબદ્ધ છીએ.