ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાનો પદગ્રહણ સમારંભ રાજીવ ગાંધી ભવન ખાતે હજારો કાર્યકર્તાઓની જનમેદની સાથે સંપન્ન થયો. નવનિયુક્ત પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ સૌપ્રથમ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ શ્રી સાથે કોંગ્રેસી કાર્યકર્તાઓનો કાફલો રેલી સ્વરૂપે મહાગુજરાત આંદોલનના પ્રણેતાશ્રી ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) ની પ્રતિમાને ફૂલહાર કરીને ટાઉનહોલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કર્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી શ્રી મુકુલ વાસનીકજીએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના પદગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં પરિણામોની જવાબદારી માત્ર પ્રમુખોની નથી હોતી. એ કાર્યકર, પ્રભારી અને હોદ્દેદારો તમામની જવાબદારી હોય છે. પ્રદેશ અધ્યક્ષનો તાજ હીરા મોતી વાળો નહીં પરંતુ જવાબદારીઓથી ભરેલો હોય છે કાર્યકરોનો વિશ્વાસ અને અનેક પડકારોનો સામનો પ્રદેશ પ્રમુખે કરવાનો હોય છે. ત્યારે આગામી દિવસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાની તૈયારી તમામે રાખવાની છે. ધારાસભા કે લોકસભા લડેલા હોય અને અન્ય કોઈ મજબૂત ના હોય તો એ ઉમેદવારે પણ લડવા તૈયારી દર્શાવવી પડશે. કોંગ્રેસ પક્ષ પૂરા જોશ જુસ્સા સાથે આગામી ચૂંટણી લડવામાં આવશે.
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ હજારો કાર્યકર્તાઓની જંગીમેદની વચ્ચે અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે ગુજરાત ગુજરાતીઓને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારવાળા શાસનમાંથી મુક્ત કરાવીશું. ફિક્સ પે, કોન્ટ્રાક પ્રથા અને આઉટ સોર્સીંગ પ્રથા નાબુદ કરાવીશું અને સમાન કામ – સમાન વેતનનો અધિકાર અપાવીશું. ભૂમાફિયા, ખનન માફિયા, શિક્ષણ માફિયા, મેડીકલ માફિયા અને ગુંડાઓની ચુન્ગલમાંથી મુક્ત કરાવીશું. રાજ્યમાંથી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવીશું. ખોટી જમીન માપણી રદ કરી અને ખેડૂતોને ન્યાય અપાવીશું. નાના વેપારી, દુકાનદારોને અધિકારીરાજ અને જી.એસ.ટી.ની ઝંઝટથી મુક્તિ અપાવીશું, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., મઈનોરીટી અને ઈ.ડબ્લ્યુ.એસ.ને સામાજિક ન્યાય સાથે શાસન અને સંશાધનોમાં ભાગીદારી સુનિશ્ચિત કરાવીશું, ગુજરાતમાં આદિવાસી પરિવારોને જળ, જંગલ, જમીનના અધિકારો અપાવીશું. શ્રમિકો અને કામદારોને તેમના હક્ક અને અધિકારો અપાવીને લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરાવીશું. સરકારમાં ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી દ્વારા યુવાનોને રોજગારનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવશે. રાજ્યમાં મહિલાઓને સુરક્ષા, સન્માન તેમજ ભાગીદારી સુનિશ્ચિત કરાવીશું. ગુજરાતને કુપોષણમાંથી મુક્તિ અપાવીશું. ગુજરાતીઓને સંવિધાનિક અધિકારો અને અસ્મિતાનું રક્ષણ કરીશું. સહકારી ડેરીઓ, બેંકોનો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું, પશુપાલકોને ન્યાય અપાવીશું. આમ પદગ્રહણ દિવસ સૌ કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો-આગેવાનો ગુજરાતની પ્રજાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ‘સંકલ્પ’ કર્યો હતો.
સમગ્ર રાજ્યભરમાંથી આવેલા કાર્યકર્તા આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારંભમાં સંબોધન કરતા નવનિયુક્ત પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સમય સંઘર્ષનો છે તમામના સાથ સહકારથી પડકારને સાથે મળીને જીલીશું ગુજરાતમાં જે રીતનું શાસન ચાલી રહ્યું છે તેની સામે લડવા માટે આપ સૌના સહકારની અપીલ કરું છું. આવનારો સમય આપણે સાથે મળીને ગુજરાત અને ગુજરાતીઓના ન્યાય અને અધિકાર માટે સંસદ થી લઈને સડક સુધી લડત લડીશું. પ્રમુખનો તાજ કાંટાળો છે પરંતુ આ કાંટા હું ચૂંમીશ અને લડતમાં અમે સૌ નેતૃત્વ સંઘર્ષમાં સાથે રહીશું. કોંગ્રેસ પક્ષના આપણા સૌના નેતા શ્રી સોનિયાજી, કોંગ્રેસ પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, જનનાયક ન્યાયયોધ્ધા રાહુલજી સહિતના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મૂકીને ફરી એક વખત પ્રદેશ તરીકે જવાબદારી સોંપી છે તે બદલ હું સૌનો આભારી છું અને નેતૃત્વએ મુકેલો વિશ્વાસ પરિપૂર્ણ કરવા આપણે સૌ સાથે મળીને લડાઈ લડીશું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાના પદગ્રહણ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા આઉટગોઇંગ પ્રદેશ પ્રમુખ સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો કાર્યકર ક્યારેય રિસાય નહીં. કોંગ્રેસના કાર્યકરોને આહવાન કર્યું હતું કે જાત પાત નહીં કોંગ્રેસના હાથ ની વાત કરવાની છે. શ્રી શક્તિસિંહ ગોહિલ સ્ટેજ પર બેસવાની જગ્યાએ કાર્યકર્તાઓની વચ્ચે બેસીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સારું છે કે ભાજપ શાસને ડેમ નથી બનાવ્યા નહીં તો તેમના બનાવેલા બ્રિજ અને રોડની જેમ તૂટી ગયા હોત? કોંગ્રેસના શાસનમાં બનાવેલા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત ના ડેમ અડીખમ ઊભા છે કાંકરી પણ નથી ખરી, જ્યારે ભાજપએ બનાવેલી કેનાલો ભાંગી ગઈ છે જે કમલમની કટકીખોરીનું પાપ છે.
નવનિયુક્ત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભાની અંદર મારા સાથીઓ જે વર્ષો જુનો અનુભવ ધરાવે છે સાથે સાથે નવા પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય પણ મજબૂતીથી લોક પ્રશ્નોની વાત રજૂ કરશે. દરેકને તક આપવામાં આવશે પણ સાથે સાથે અમે મર્યાદિત સંખ્યામાં છીએ અને સામે બહુમતી છે પણ એ અહંકારી સેના છે એટલે અમે પાંડવો છીએ સામે કૌરવોની અન્યાયી સેના છે.અમે મજબૂતીથી લડીને ગુજરાતનો અવાજ રજૂ કરીશું.
એઆઈસીસીના વરિષ્ઠ નેતાશ્રી મધુસૂદન મિસ્ત્રી, સિડબ્લૂસી સભ્યશ્રી જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશ ધાનાણી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી જીગ્નેશ મેવાણી, શ્રી કદિર પીરજાદા, શ્રી લલીત કગથરા, પૂર્વ ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, લોકસભા સાંસદશ્રી ગેનીબેન ઠાકોરએ રાજીવ ગાંધી ભવન ખાતે પદગ્રહણ કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાને સાથે ખભે ખભો મિલાવીને કાર્ય કરવાની ખાતરી સાથે ઉમટેલી જનમેદની સંબોધન કર્યું હતું. સમારંભનું સંચાલન પ્રદેશ સમિતિના મહામંત્રી શ્રી નઇમ મીરઝા અને આભારવિધિ એઆઈસીસીના મંત્રીશ્રી ઋત્વિજ મકવાણાએ કરી હતી.
પદગ્રહણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહ પ્રભારીશ્રી ઉષાબેન નાયડુ, શ્રી રામકિશન ઓઝા, શ્રી સુભાસિની યાદવ, શ્રી ભૂપેન્દ્ર મારાવી, એન.એસ.યુ.આઈ, યુથ કોંગ્રેસ, સેવાદળ અને મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ, સેલ-ડિપાર્ટમેન્ટના વડાશ્રીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનશ્રી સહિત સમગ્ર ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવેલા સેંકડો કાર્યકર્તાઓ પ્રદેશ પ્રમુખશ્રીની વરણીને વધાવી હતી અને તેઓશ્રી દ્વારા હાકલ કરેલ સંકલ્પને પૂર્ણ કરવા કટિબદ્ધતા દર્શાવી હતી.