એક પરિવારે પોલીસના કારણે દીકરો ગુમાવ્યો અને પોલીસ વિરુદ્ધ FIR લેવામાં આવતી નથી: ઈસુદાન ગઢવી
21 વર્ષના દીકરાને ગુમાવનાર પરિવારને ન્યાય મળવો જોઈએ: ઈસુદાન ગઢવી
દ્વારકા જિલ્લાના ભરાણા ગામે પોલીસના અત્યાચારથી એક નવયુવાને દવા પી લીધી અને તેનું મૃત્યુ થયું. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને જાણ થતા તેઓએ પરિવારની મુલાકાત લીધી અને આ દુ:ખદ સમયમાં પરિવારના દુઃખમાં સહભાગી થયા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કહેતા હોય છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બરાબર છે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો હું તમને કહેવા માગું છું કે આજે હું દ્વારકા જિલ્લાના ભરાણા ગામમાં ઉભો છું. અહીંયા આ ગામના બે યુવાનોને પોલીસ દ્વારા જાહેરમાં લાકડીઓથી માર મારવામાં આવે છે અને એફઆઇઆર કરવામાં આવે છે અને વારંવાર અપમાન પણ કરવામાં આવ્યું. જેના કારણે એક 21 વર્ષના યુવાને દવા પી લીધી. યુવાન હજુ યુવાનીમાં પ્રવેશ કરી રહ્યો હતો પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલા અપમાનથી તેને ખૂબ જ લાગી આવ્યું જેના કારણે તેણે આ પગલું ભર્યું. યુવાને હોસ્પિટલમાંથી પણ આ જ નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ યુવાન મૃત્યુ પામે છે, તેમ છતાં પણ પોલીસે આ મુદ્દે જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરી નથી.
હાલ પોલીસ વિરુદ્ધ એફઆઇઆર લેવામાં આવતી નથી, પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને અહીંયા એક પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવી દીધો. પોલીસના અત્યાચારથી એક દીકરો આ દુનિયા છોડીને જતો રહ્યો તો ગુજરાતના ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને ઊંઘ કઈ રીતે આવે છે? ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીએ પોતાના આત્માને જગાડવાની જરૂરત છે. જો તમારા સંતાનો સાથે આવી ઘટના ઘટે તો તમે શું કરો? પરિવાર SP સુધી ગયો અને પરિવારની પાસે એ યુવાનનો વિડીયો પણ છે જેમા તે પોતે આ ઘટના વિશે વાત કરી રહ્યો છે તો બીજા કયા પુરાવા પોલીસે હજુ જોઈએ? હું મુખ્યમંત્રી સમક્ષ માંગું કરું છું કે તમારી પાસે એક દયાનો છાંટો પણ હોય નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવે અને આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે. જે પણ પોલીસ આ ઘટનામાં ગુનેગાર છે તેના પર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે અને આ રાજપૂત સમાજના યુવાન સાથે પોલીસે જે અત્યાચાર કર્યો તે પોલીસ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ફરીથી આવી ઘટના ન ઘટે તે માટે પોલીસે અને સરકારે સુસર્જ વ્યવસ્થા કરવી જોઈએ, તેવી આમ આદમી પાર્ટીની માંગ છે. અમે સાંભળ્યું છે કે ભાજપ રાજપુત સમાજને નફરત કરે છે અને મોટી સંખ્યામાં યુવાનો પણ એકઠા થયા છે અને એમણે પણ આ મુદ્દે રજૂઆત કરી છે કે પોલીસ તેમના પર પણ ખૂબ અત્યાચાર કરી રહી છે માટે મારી માંગ છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.