
મિશન રાજીપો પ્રોજેક્ટ અંતર્ગત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલા 8500થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોનાં 15,666 બાળકો–બાલિકાઓએ વર્ષ 2024-2025નાં એક વર્ષમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથનાં 315 શ્લોકને આત્મસાત અને કંઠસ્થ કરવાની અભૂતપૂર્વ સાધના સંપન્ન કરી છે.
આ આયોજન અંતર્ગત બી.એ.પી.એસ. સંસ્થાની બાળપ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભારતનાં 13,674 અને પરદેશનાં 1992 બાળકોએ વર્ષ દરમ્યાન મિશન રાજીપો સત્સંગ સાધનાનાં અભિયાનમાં જોડાઈને સંસ્કૃતિ, સંસ્કાર, સત્સંગ, શિસ્ત અને શિષ્ટાચારનાં મૂલ્યને આત્મસાત કર્યા.
ઉલ્લેખનિય છે કે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં સંકલ્પને અનુસરી વર્ષ 2024ની દિવાળીનાં શુભ દિને સંસ્થાની કેન્દ્રિય બાળ સત્સંગ પ્રવૃત્તિ દ્વારા મિશન રાજીપો અમલમાં મુકાયો. પૂજ્ય મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે સત્સંગ દીક્ષા ગ્રંથનું લેખન કર્યું છે અને જેનાં 315 સંસ્કૃત શ્લોક છે. આ ગ્રંથમાં સ્વામિનારાયણ સંપ્રદાય સહિત સનાતન ધર્મ અને આદર્શ વ્યક્તિ માટેનાં મૂલ્યો સમ્મિલિત છે. બાળવયથી જ આ નૈતિક અને સત્સંગ મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી મિશન રાજીપોનો આરંભ થયો હતો.
ભારતનાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક રાજ્યો સહિત અમેરિકા, કેનેડા, યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, આફ્રિકા સહિત દેશોમાં બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિ સત્સંગ કેન્દ્રોનાં 40,000થી વધુ બાળકો રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 15,666 બાળકોએ મિશન રાજીપો સાધના સંપન્ન કરી હતી.
બાળકોએ તેમનાં શાળાકીય કેલેન્ડર, રચનાત્મક પ્રવૃત્તિઓ અને રજાઓ-વેકેશનનાં ગાળામાં સત્સંગ દીક્ષા ગ્રંથને સંસ્કૃતમાં મુખપાઠ કરી ધ્યાન, એકાગ્રતા અને આત્મવિશ્વાસને ખીલવ્યા. આ સમગ્ર અભિયાનનું આયોજન પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંસ્થાનાં મધ્યસ્થ બાળ સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલય, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ થયું હતું. જેમાં દેશ–વિદેશનાં હજારો બાળ સત્સંગ કેન્દ્રનાં 103 સંતો, 17,000 કાર્યકરો અને 25,000 વાલીઓ દ્વારા સતત સમર્પણ અને સહકાર પ્રાપ્ત થયો હતો.
આ પ્રોજેક્ટમાં ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી અને અક્ષરધામના મહંત પૂ. આનંદસ્વરૂપસ્વામીના માર્ગદર્શનથી તા. ૨૯.૧૦.૨૦૨૫ ના રોજ અક્ષરધામ હરિ મંદિર ખાતે ૩ થી લઈ ૧૩ વર્ષ સુધીના બાળ- બાલિકાઓ એક વર્ષમાં તા ૨૫.૧૦.૨૦૨૪ (ગત દિવાળી) થી લઈ તા. ૨૦.૧૦.૨૦૨૫ (આ દિવાળી) સુધીમાં જેઓએ સત્સંગદીક્ષા ગ્રંથનું સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે તેઓનો અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્યના કુલ ૧૫૦ બાળકો અને ૧૮૫ બાલિકાઓ સહિત કુલ ૩૩૫ સત્સંગદીક્ષા વિદ્વાન-વિદૂષિનું સન્માન કરવામાં આવ્યું છે.
વર્ષ 2024ની દિવાળીમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે 10,000થી વધુ બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથને આત્મસાત અને કંઠસ્થ કરે, તે સંકલ્પ સાધના બનતા કુલ 15,666 બાળકો સાથે વર્ષ 2025ની દિવાળીમાં સંપન્ન થયો છે. તે નિમિત્તે 28 અને 29 ઓક્ટોબર 2025નાં રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ગોંડલ ખાતે પૂજ્ય મંહ્ત સ્વામી મહારાજનાં સાનિધ્યમાં મિશન રાજીપો અભિયાનનો પૂર્ણાહુતિ સમારોહ યોજાઈ રહ્યો છે.