બોટાદ સાઈબર ક્રાઈમ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઈટ બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનારા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપવામાં આવ્યો છે.
માહિતી મુજબ, આરોપીએ નકલી વેબસાઈટ બનાવી તેમાં રૂમ બુકિંગની વ્યવસ્થા દર્શાવી હતી. શ્રદ્ધાળુઓ ઓનલાઇન પૈસા ચૂકવીને રૂમ બુક કરાવતા, પરંતુ સ્થળ પર પહોંચતા તેમને ખબર પડતી કે આવી કોઈ સગવડ નથી. આ રીતે અનેક ભક્તો છેતરાયા હતા.
છતરપિંડી અંગે અનેક ફરિયાદો મળતા બોટાદ સાઈબર ક્રાઈમ ટીમે તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાઓની માહિતીના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી હતી. આખરે, ઉત્તરપ્રદેશમાંથી આરોપીને ઝડપી પાડી બોટાદ લાવવામાં આવ્યો છે.
હાલમાં પોલીસે આરોપી સામે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ, આ નકલી વેબસાઈટ દ્વારા છેતરાયેલા અન્ય ભક્તો પણ આગળ આવી ફરિયાદ કરે તેવી શક્યતા છે.
આ બનાવ બાદ સાયબર ક્રાઈમ તંત્રે લોકોને ચેતવણી આપી છે કે, મંદિર અથવા કોઈપણ સંસ્થા સાથે સંબંધિત સેવાઓ માટે માત્ર સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ.