આજે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી રાખવા ખાસ આગ્રહપૂર્વક જણાવવામાં આવે છે.ભાદરવી પૂનમ મેળામાં આવનારા તમામ માઈભક્તો, પગપાળા સંઘો તથા સેવા કેમ્પોને પણ હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેવા કલેક્ટર દ્વારા વિનંતી કરવામાં આવી છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી રાત સુધી ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે..
સવારના છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો..જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો..જ્યારે સરદાર સરોવરમાંથી વિપુલ પ્રમાણમાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.. ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામોના લોકોને સાવધ કરાયા છે. જ્યારે અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારના ખેડૂતોને પાકની ચિંતા સતાવી રહી છે.. ત્યારે વડોદરા અને અંકલેશ્વરની શાળામાં રજા જાહેર કરાઇ છે..