મીડિયા વિમેન્સ ફોરમ દ્વારા મીડિયાના ભવિષ્ય અંગે ચર્ચા
આજે અમદાવાદના AMA ખાતે મીડિયા વિમેન્સ ફોરમ, ગુજરાતની એક બેઠક મળી હતી. બેઠકમાં વિવિધ મીડિયા ક્ષેત્રે કાર્યરત અને મીડિયા શિક્ષણ સાથે સંકળાયેલ મહિલા મિડિયાકર્મીઓએ “ મીડિયાનું ભવિષ્ય” પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તથા આવનારા સમયમાં મીડિયા સમક્ષના પડકારોનો સામનો કઇ રીતે કરી શકાય એના પર ચર્ચા વિચારણા કરી હતી.
મીડિયા વિમેન્સ ફોરમ, ગુજરાતના ફાઉન્ડર મેમ્બર અને EMRC ના પૂર્વ ઇન્ચાર્જ સુશ્રી માલતી મહેતાએ ફોરમનો ઉદ્દેશ અંગે માહિતી આપીને સ્થાપના વર્ષ 1996 થઈ માંડીને અત્યાર સુધી ફોરમ હેઠળ થયેલા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી. એમને જણાવ્યું કે મહિલા મીડિયાકર્મીઓ પોત પોતાના ક્ષેત્રમાં રહેલા મુદ્દાઓ, પ્રશ્નો વગેરેની પરસ્પર ચર્ચા કરી વધુ સારી રીતે પ્રોફેશનલ એક્સલન્સ હાંસલ કરી શકે એ આ ફોરમનો મુખ્ય હેતુ છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના ડેપ્યુટી ડાયરેક્ટર સુશ્રી ઈલા ગોહિલે જણાવ્યું કે AI જેવી ટેકનોલોજી થકી આજની પેઢી પોતાને જોઈતી માહિતી તો પોતાની જાતે મેળવી જ લેશે, એ માહિતીનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કેવી રીતે કરવો એમાં મદદ કરવી આપણી જવાબદારી છે. નેગેટિવ ન્યૂઝનું પ્રમાણ ઓછું કરી, પોઝિટિવ સ્ટોરી, સારી ડેવલપમેન્ટલ સ્ટોરીને હાઇલાઇટ કરવી જોઈએ. ફ્યુચર જર્નલિસ્ટને આ દ્રષ્ટિકોણ સમજાવી શકીએ, તો તણાવ ઓછો કરવામાં પણ મદદરૂપ થઇ શકીએ.
સુશ્રી બિનીતા પરીખે જણાવ્યું કે અત્યારની રોજેરોજ બદલાતી ટેકનોલોજીના સમયમાં પરંપરાગત મીડિયાએ એની ઓળખ ગુમાવી દીધી છે. કન્ટેન્ટ ડ્રિવન મીડિયા એ ભૂતકાળની વાત થઈ ગઈ છે. હવે AI અને autoboat કન્ટેન્ટ ક્રિએટ કરે છે, હવે એ હ્યુમન ક્રિએશન નથી રહ્યું. માહિતીના આ વિસ્ફોટ વચ્ચે પત્રકારત્વની કારકિર્દી અપનાવવા માંગતી નવી પેઢીને ક્રિએટિવિટી અંગે માર્ગદર્શન આપવું જરૂરી છે.
સુશ્રી દ્રષ્ટિ પટેલે નવી પેઢીને ક્રિટિકલ થીંકિંગની પ્રક્રિયામાં સામેલ થાય એ માટે પ્રોત્સાહન આપવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ માટે નાનપણથી વાંચનની ટેવ નહીં કેળવીએ ત્યાં સુધી ક્રિએટિવિટી અને ક્રિટિકલ થીંકીંગ નહીં આવે એમ એમણે ઉમેર્યું હતું.
PIB ના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર સુશ્રી સરિતા દલાલે જણાવ્યું કે આપણે અત્યારે એવા એરામાં છીએ જેમાં whatsapp પર આંગળીની એક કલીકે કોઈપણ સ્ટોરી વાયરલ થઈ શકે છે. આ સંજોગોમાં ફેક્યુઅલ એવિડન્સ બેઝડ રિપોર્ટિંગ થી ઓડિયન્સનો વિશ્વાસ મેળવવો અને જાળવી રાખવો એ આજ અને આવતીકાલના સમયની માંગ છે.
ઇન્ટરનેટના ઇઝી એક્સેસ અને 5G જેવી સુવિધાઓથી આપણને ન્યુઝ તો તાત્કાલિક મળી જાય છે. પણ અહીં ખતરો છે ફેક ન્યુઝ ,ખોટી માહિતીનો. ઓનલાઈન ખોટી અને ગેરમાર્ગે દોરનાર માહિતીને કારણે લોકો માટે કઈ સાચી માહિતી અને કઈ ખોટી એ બે વચ્ચે ફરક કરવાનું અઘરું થતું જાય છે. અને ભવિષ્યમાં પણ આ વધારે મુશ્કેલ થવાનું છે, ત્યારે પત્રકાર કે ન્યુઝ પ્રેઝન્ટરની જવાબદારી વધતી જવાની છે.
સોનલ કેલોગે જણાવ્યું કે હાલના જર્નલિઝમમાં કોપી પેસ્ટનું ચલણ વધ્યું છે. નવી પેઢીના પત્રકારોને પ્રશ્નો પૂછતાં કરવાની જરૂર છે.
કાર્યક્રમમાં DD ન્યૂઝના મેઘના દેવ, સમભાવ મેટ્રોના મનીષા શાહ, ફ્રીલાન્સર મનીષા પુરોહિત, શુશ્રી ગરિમા, મલ્લિકા વાધવાની, નંદિની ઓઝા વગેરેએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.