

કપાસ પરથી આયાત વેરો દૂર કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે ચોટીલામાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું હતું પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ખેડૂતો માટે જે અવાજ ઉઠાવવાનો છે, તે અવાજ ઉઠાવવા અને સરકાર પાસે જવાબ માંગવા માટે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી, પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ખેડૂત સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા તથા નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી સહીતના આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ મીડિયા સામે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, આજે આપણે જે જગ્યાએ કિસાન મહાપંચાયત રાખ્યું હતું તે મેદાનમાં બે-બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે જેના કારણે આજે અમે કિસાન મહાપંચાયતનું આયોજન મોકૂફ રાખ્યું છે અને આવનારા દિવસોમાં આપણે ફરીથી તેનું આયોજન કરીશું. કિસાન મહાપંચાયતનો મુખ્ય મુદ્દો જે હતો તેના વિશે હું આજે વાત કરીશ. આપણા કપાસ ઉગાડતા ખેડૂત ભાઈઓએ જૂન-જુલાઈમાં કપાસના બીજ વાવી દીધા હતા. ખેડૂતોએ કપાસના બીજ, ખાતર, મજૂરી જેવા બધાં ખર્ચ માટે લોન લીધી હતી. હવે તેમનો પાક ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં તૈયાર થશે. ખેડૂતને એવું લાગે છે કે જયારે તે બજારમાં પોતાનો પાક સાથે લઇને જશે ત્યારે તેને સારો ભાવ મળશે, પણ ખેડૂતોને ખબર નથી કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે કેવી રીતે ખેડૂતો સાથે દગો કર્યો છે. હમણાં સુધી અમેરિકાથી જે કપાસ ભારતમાં આવતો હતી, તેના ઉપર ૧૧% ડ્યૂટી લાગતી હતી, જેના કારણે એ કપાસ આપણા દેશની કપાસની તુલનાએ મોંઘી પડતી હતી.એ કારણે આપણા ખેડૂતોનો કપાસ વેચાઈ જતો હતો અને અમેરિકાના ખેડૂતોની કપાસ વહેંચાતો હતો નહીં. પરંતુ ૧૯ ઓગસ્ટથી કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે વિદેશથી આવતા કપાસ પર લાગતી ડ્યૂટી ખતમ કરી દીધી છે.
હવે અમેરિકાથી આવતી કપાસ આપણા ખેડૂતોની કપાસની સરખામણીએ સસ્તી પડશે. તમામ ટેક્સટાઇલ કંપનીઓએ તો પહેલેથી જ અમેરિકામાંથી મોટા પાયે કપાસ મંગાવવાનું શરૂ કરી દીધું છે. શરૂઆતમાં કેન્દ્ર સરકારે આ આયાત વેરો માત્ર 40 દિવસ માટે હટાવ્યો હતો, પણ હવે આ વેરો 31 ડિસેમ્બર સુધી હટાવી દીધો છે. હવે આપણા દેશના ખેડૂતો પાસે કપાસ વેચવાનો કોઈ રસ્તો બચ્યો નથી. આપણા ખેડૂતોની કપાસ હવે નહીં વેચાય, કારણ કે અમેરિકાની કપાસ વધુ સસ્તી પડશે. આપણા દેશના ખેડૂતોએ કપાસ ઉગાડવા માટે જે લોન લીધી હતી, એ લોન હવે ક્યાંથી ચૂકવશે? ભગવાન ન કરે, પણ હવે આ પરિસ્થિતિમાં ખેડૂત પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી.
2013માં ગુજરાતમાં પ્રતિ મણ એટલે કે 20 કિલો કપાસના રૂપિયા 1500થી 1700 ભાવ મળતા હતા. તે સમયે 2014ના લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમણે જાહેરમાં કહ્યું હતું કે, આ ભાવ બહુ ઓછા છે, 2500 રૂપિયા ભાવ હોવો જોઈએ. પરંતુ હકીકત એ છે કે, આજે 11 વર્ષ પછી પણ ખેડૂતને તો 1500 રૂપિયાની વાત તો દૂર રહી, 1200 રૂપિયા સુધી પણ ભાવ મળતા નથી. અને હવે જ્યારે અમેરિકામાંથી સસ્તો કપાસ ભારતમાં આવશે, ત્યારે આપણા ખેડૂતને તો રૂ. 900 થી પણ ઓછી કિંમત મળશે. સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે, અમેરિકાના ખેડૂતને માલામાલ કરવામાં આવી રહ્યા છે અને આપણા દેશના ખેડૂતને કંગાળ કરવામાં આવી રહ્યા છે.
પરંતુ હવે દરેક વ્યક્તિને પ્રશ્ન થશે કે કેન્દ્રની મોદી સરકાર આવું શા માટે કરી રહી છે? અમને ખબર નથી કે મોદી સરકાર આવું શા માટે કરી રહી છે. પણ આજે ચારે બાજુ વિવિધ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. એક અફવા એવી છે કે અમેરિકામાં અદાણી સામે કોઈ કેસ ચાલી રહ્યો છે, જેમાં તેમને જેલ થઈ શકે એવી શક્યતા છે એવું છાપાઓમાં છપાઈ રહ્યું છે. કારણ કે જે કેસ ચાલી રહ્યો છે, તે બહુ જ ગંભીર પ્રકારનો છે. તો આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અદાણીને બચાવવા માટે મોદીજી ટ્રમ્પને નારાજ નથી કરવા માંગતા. ટ્રમ્પના દબાણમાં અને તેની ગુંડાગીરી હેઠળ આ બધું થઈ રહ્યું છે. ટ્રમ્પ આપણા દેશની સરકારનો હાથ મરોડી રહ્યો છે, અને કદાચ આ જ કારણ હોઈ શકે છે કે આપણા દેશની સરકારે ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધા છે અને અમેરિકાથી આવતી કપાસ પરનો વેરો હટાવી દીધો છે.
આ મંચના માધ્યમથી આજે અમે માંગણી કરીએ છીએ કે સરકારે અમેરિકાથી આયાત થતી કપાસ પર જે વેરો હટાવ્યો છે, તે નિર્ણય તાત્કાલિક રદ કરવામાં આવે અને ફરીથી 11% વેરો લાગૂ કરવામાં આવે. અમારી બીજી માંગણી છે કે, આપણા દેશના કપાસ ઉત્પાદક ખેડૂતોને ₹2100 પ્રતિ મણના હિસાબે ન્યૂનતમ સપોર્ટ ભાવ (MSP) આપવામાં આવે. અમારી ત્રીજી માંગ છે કે, માત્ર MSP નક્કી કરવાથી લાભ નથી થતો, પરંતુ MSPના આધારે સીધી રીતે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરવામાં આવે. અને અમારી ચોથી માંગણી છે કે, ખાતર, બીજ જેવી જરૂરી વસ્તુઓની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારે સબસિડી આપે, જેથી ખેતી ખર્ચ ઘટે અને કપાસના ખેડૂતોને રાહત મળે.
માત્ર કપાસના ખેડૂતો પર જ નહીં, પણ હીરાના કારીગરો પર પણ મોટું સંકટ આવી પડ્યું છે. અહીં પણ અમારી કેન્દ્રની મોદી સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણીયે પડી ગઈ છે. હીરાને ઘસીને મોટા પ્રમાણમાં ભારતમાંથી હીરા અમેરિકા મોકલવામાં આવે છે. આ હીરા ઘસવાનું કામ કરનારા લાખો કારીગર સુરતમાં રહે છે. આ લાખો કારીગર હવે બેરોજગાર અને બેઘર થઈ ગયા છે, કારણ કે અમેરિકાએ ભારતથી અમેરિકા જતાં હીરા પર 50% ટેરિફ લગાવી દીધો છે અને આપણી કેન્દ્ર સરકાર તેમનાં સામે ઝૂકી ગઈ છે અને કોઈ પગલાં લઈ રહી નથી. જ્યારે અમેરિકાએ કેનેડા પર 25% ટેરિફ લગાવ્યો, તો કેનેડાએ જવાબમાં અમેરિકાના વિરુદ્ધ 35% ટેરિફ લગાવ્યો. જ્યારે અમેરિકા એ યુરોપિયન યુનિયન પર 50% ટેરિફ લગાવ્યો, તો યુરોપિયન દેશોએ પણ જવાબમાં અમેરિકા પર 50% ટેરિફ લગાવ્યો. આ કારણે ત્યાં ટ્રમ્પ ઝૂકી ગયા. પછી ટ્રમ્પે કેનેડા પર લગાવેલો ટેરિફ અને યુરોપિયન યુનિયન પર લગાવેલો ટેરિફ પણ પાછો લઈ લીધો. અમેરિકાએ મેક્સિકો પર પણ ટેરિફ લગાવ્યો, તો મેક્સિકોએ પણ જવાબમાં અમેરિકાના વિરુદ્ધ ટેરિફ લગાવ્યો, જેને કારણે ત્યાં પણ ટ્રમ્પ ઝૂકી ગયા. ટ્રમ્પે મેક્સિકોના ટેરિફ પણ પાછો લઇ લીધા. પણ ભારતમાં કંઈક જુદું થયું. જ્યારે અમેરિકાએ આપણા ઉપર 50% ટેરિફ લગાવ્યો, ત્યારે તેના સામે ટેરિફ લગાવવાની જગ્યા પર આપણા દેશમાં કપાસ પર લાગતો કર હટાવી દેવામાં આવ્યો. તો અહીંયા અમારો સવાલ છે કે, આપણે શા માટે નબળા પડયા? આપણે 140 કરોડ લોકોની વસ્તી ધરાવતો એક મોટો દેશ છીએ અને આપણી પાસે એક વિશાળ બજાર છે.
આજે અમેરિકાની બધી મોટી કંપનીઓ ભારત આવવા માંગે છે અને ભારતમાં પોતાનો માલ વેચવા માંગે છે. 140 કરોડ લોકો આજે મોદીજી સાથે ઉભા છે તો કરવું આ જોઈએ હતું કે જો અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લગાવ્યો તો મોદીજીને પણ અમેરિકાની કપાસ પર 100% ટેરિફ લગાવી દેવું જોઈએ હતું અને તેના પછી ટ્રમ્પને જરૂર ઝુકવું પડતું કારણ કે ટ્રમ્પ કાયર રાષ્ટ્રપતિ છે. જે દેશે ટ્રમ્પને આંખો બતાવી ત્યાં ટ્રમ્પને ઝુકવું પડ્યું. આપણા દેશમાં એટલી અમેરિકી કંપનીઓ કામ કરી રહી છે, ગૂગલ કામ કરી રહી છે, એમેઝોન કામ કરી રહી છે, તેમની ચાર કંપનીઓ બંધ કરી દો તો અમેરિકાને નાની યાદ આવી જશે. તો અમારું માનવું છે કે આપણને પણ ટ્રમ્પને આંખો બતાવવી જોઈએ અને તેમના સામે મજબૂતીથી ઊભા રહેવું જોઈએ. અમારો સવાલ છે કે અમારી સરકાર કેમ નબળી પડી રહી છે? શું ફક્ત અદાણીને બચાવવા માટે આપણા દેશની સરકાર નબળી પડી રહી છે? શું ફક્ત અડાણીના કારણે આખો દેશ દાવ પર મૂકી દેશો? આજે સુરત જઈને જોઈ લો હીરા કારીગરો પાસે પોતાના બાળકોની ફી આપવા માટે પૈસા નથી. લાખો કારીગરો પાસે બે વખતની રોટલી ખાવા માટે પૈસા નથી.
તો આજે અમે અહીં પર માંગ કરી રહ્યા છીએ કે, પ્રધાનમંત્રી મોદીજી થોડી હિંમત બતાવે કારણ કે આખો દેશ તમારા સાથે ઉભો છે. તમે હિંમત બતાવો અમે બધા તમારા સાથે છીએ. અમારું માનવું છે કે અમેરિકાએ આપણા પર 50 સુધી ટેરિફ લગાવ્યા છે તો US માંથી આવતાં બધા જ માલ પર તમને 75% ટેરિફ લગાવી દેવો જોઈએ. આખો દેશ આ સહન કરવા માટે તૈયાર છે પછી જુઓ ટ્રમ્પ ઝુકે છે કે નહીં ઝુકે. દુનિયા ઝૂકે છે ઝુકાવનાર જોઈએ. મોટી મજાની વાત છે કે કોંગ્રેસ આ આખા પ્રકરણમાં ચૂપ છે કારણ કે કોંગ્રેસને ખેડૂતો સાથે અને હીરા કારીગરો સાથે કોઈ લેવાદેવા નથી, કારણ કે કોંગ્રેસને ભાજપની નોકરી કરવી છે. અને કોંગ્રેસવાળા ભાજપની ચાકરી કરવામાં લાગેલા છે.
પંજાબમાં આવેલા પૂર ઉપર વાત કરતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, પંજાબમાં બહુ ભયાવહ સ્થિતિ છે, ખૂબ જ મોટું કુદરતી કહેર ત્યાં આવ્યું છે અને 1800થી 1900 ગામ પ્રભાવિત થયા છે. કુલ 3-3.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. જેના કારણે ઘણું નુકસાન થયું છે. પંજાબના લોકો એકબીજાની મદદ કરવા માટે લાગેલા છે. દેશભરમાંથી લોકો પંજાબની મદદ કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીની આખી સરકાર રાહત-બચાવના કામમાં લાગી છે. અમારી સરકારનો એક-એક મંત્રી મેદાનમાં નીચે ઉતરીને કામ કરી રહ્યો છે, એક-એક ધારાસભ્ય પણ કામ કરી રહ્યા છે અને એક-એક કાર્યકર પણ રાહત-બચાવના કામમાં લાગેલો છે. જેમ-જેમ પાણી ઉતરશે ત્યારબાદ રીકન્સ્ટ્રક્શનનું પણ કામ શરૂ થશે.