ગુજરાત

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

પત્રકારોની આરોગ્ય તપાસનો રાજ્યવ્યાપી ઉપક્રમ – ‘ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા’ કેમ્પેનનો બીજા વર્ષમાં પ્રવેશ

રેડક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના પત્રકારોની આરોગ્ય તપાસ કરવામાં આવશે

 

પત્રકારોની આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ, ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે, જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે.

‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે સૌપ્રથમ પત્રકારશ્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને હજુ વધુ કેવી રીતે ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય તે મુદ્દે પત્રકારશ્રીઓનાં મંતવ્યો જાણ્યાં હતાં.

શ્રી અજય પટેલે જણાવ્યું હતું કે, આ સેવાનો મને આનંદ છે અને વધુમાં વધુ પત્રકારો આ આરોગ્ય કેમ્પમાં જોડાઈને આ સેવાનો લાભ લે તે માટે અમે કાર્યરત છીએ. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં જરૂર પડ્યે આરોગ્ય કેમ્પમાં જટિલ રોગ માટે તજજ્ઞ ડોક્ટરોની પણ મદદ લઈશું. તેમણે ઉપસ્થિત પત્રકાર મિત્રોને આ આરોગ્ય કેમ્પનો લાભ લેવા અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરવા અનુરોધ કર્યો હતો.

ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ કેમ્પેઇનની સફળતાનો ચિતાર આપતા શ્રી પટેલે જણાવ્યું કે ગત વર્ષે ૨૨૦૦ જેટલા પત્રકારોએ આરોગ્ય તપાસ માટે નોંધણી કરાવી હતી. ૨૬૪ જેટલા પત્રકારોને આરોગ્ય સમસ્યા જણાઈ હતી. જેમાંથી ૪૪ જેટલા પત્રકારોને ગંભીર બીમારી જણાતા હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા હતા.

 માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીએ જણાવ્યું હતું કે,  માહિતી ખાતા અને રેડ ક્રોસ વચ્ચે પત્રકારોની આરોગ્ય તપાસણી માટે થયેલો એમઓયુ કદાચ દેશની આ પ્રથમ ઘટના છે. કોઈ સરકારી વિભાગ રેડક્રોસ સાથે આ પ્રકારે MOU કરીને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરે તે અનન્ય છે.

તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ. મુખ્યમંત્રીશ્રીના સૂચનને પગલે આપણે આ વર્ષે પણ પત્રકારોની આરોગ્ય તપાસ માટે રાજ્યવ્યાપી કેમ્પ રેડ ક્રોસની મદદથી કરવાના છીએ.

શ્રી બચાણીએ આ તકે રેડ ક્રોસની સ્થાપનાની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, રેડ ક્રોસની સ્થાપના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવાના ઉમદા હેતુ સાથે થઈ હતી, જેના મૂળમાં હેનરી ડ્યુનાન્ટના ‘મેમરી ઓફ સોલફેરીનો’ પુસ્તકનો પ્રેરણા સ્ત્રોત રહેલો છે. યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા, કુદરતી આફતોમાં અને રોગચાળામાં નાગરિકોની આરોગ્ય સેવા રેડ ક્રોસનું મૂળ મેન્ડેટ છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત રેડ ક્રોસે આ મેન્ડેટથી આગળ વધીને પત્રકારોની આરોગ્ય સેવા અને આરોગ્ય તપાસનો અભિયાન શરૂ કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે.

શ્રી બચાણીએ પત્રકારોને અનુરોધ કરતાં કહ્યું કે, જીવનશૈલી ભાગદોડ ભરેલી હોય છે છતાં આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને વ્યાયામ, યોગ્ય ભોજન સહિતની સ્વાસ્થ્ય દરકાર રાખવી જોઈએ.  

રેડ ક્રોસ ગુજરાતના જનરલ સેક્રેટરી શ્રી પ્રકાશ પરમારે રેડ ક્રોસની પ્રવૃત્તિઓનો ચિતાર ઉપસ્થિતોને આપ્યો હતો. તેમણે માહિતી ખાતાના સહયોગથી આયોજિત આ મહત્ત્વપૂર્ણ કેમ્પેઇનની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, વરિષ્ઠ પત્રકારો સહિત મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬.૦૯ લાખ મતદારોની મોટી વોટ ચોરીઃચાવડા

GUJARAT NEWS DESK TEAM

કમલેશ ગોંડલિયા અને અન્ય આરોપીઓ સામે છેતરપિંડી ના કેસમાં લુકઆઉટ પરિપત્ર જારી

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રેડ ક્રોસ દ્વારા તૈયાર કરાયેલી મેડિકલ વાન નું લોકાર્પણ કર્યું

બ્રિજ દુર્ઘટના મામલે આમ આદમી પાર્ટીએ સરકાર પર પસ્તાળ પાડી

GUJARAT NEWS DESK TEAM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત

GUJARAT NEWS DESK TEAM

હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતાઃ રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા    

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment