ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને ગણેશ પંડાલમાં થીમ સ્વરૂપે બિરદાવાઈ

ગત ૧૨મી માર્ચના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ કરુણાંતિકાના પડઘા વિશ્વભરમાં પડ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ સતત ખડેપગે રહીને રેસ્ક્યુ, રાહત, બચાવ સહિત પાર્થિવ દેહોને સ્વજનોને માનભેર પહોંચાડવા માટે સતતપણે કામગીરી કરી હતી. ઘણી સામાજિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રાઇવેટ સામાજિક, રાજકીય સંસ્થાઓએ પણ આ કપરા સમયમાં ખડેપગે રહીને કામગીરી કરી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને બિરદાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ઘી કાંટાની મોટી હમામ પોળમાં ઉજવાતા ગણેશોત્સવમાં ગણેશ પંડાલને વિશીષ્ટ થીમમાં સજાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ, મીડિયા, ફાયર, પોલીસ, વહીવટી તંત્ર સહિતના વિભાગોની કામગીરીને આ થીમમાં આવરી લેવામાં આવી છે. શ્રી ગણેશના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન સર્જાય એ માટે પ્રભુને પ્રાર્થે છે.