રાજ્યમાં દારૂ-ડ્રગ્સના હપ્તાઓ દરેક પોલીસ સ્ટેશનમાંથી ગાંધીનગર સુધી પહોંચી રહ્યા છે : શ્રી અમિત ચાવડા
ભાજપ સરકાર માનસિક ત્રાસ આપી BLOના જીવ લઈ રહ્યું છે :અમિત ચાવડા
વોટચોરોને ઘરભેગા કરવાનો સમય આવી ગયો છે : ડૉ. તુષાર ચૌધરી

જન આક્રોશ યાત્રાના ત્રીજા દિવસની શરૂઆત પાલનપુર ખાતેથી થઈ જ્યા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવજી બાદમાં રાજીવ ગાંધીજી, બાબાસાહેબ આંબેડકરજી, સ્વામી વિવેકાનંદજી સહિત મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી. ત્યારબાદ પાલનપુરથી અંબાજી તરફ નીકળેલી યાત્રાનું માર્ગમાં વિવિધ સ્થળોએ સ્થાનિક નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
દિવસ-3ની યાત્રા વડગામ, મગરવાડા, ઇસ્લામપુરા, જાલોત્રા, મુમણવાસ, દાંત માર્ગે અંબાજી તરફ આગળ વધી. યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડુતો અને યુવાનો જોડાયા અને સરકાર સામેના પોતાના પ્રશ્નો રજૂ કર્યા. ગામજનો દ્વારા સિંચાઈના પાણીની અછત, ખાતર અને ડીઝલના વધેલા ખર્ચ, પશુપાલન સબસિડીમાં વિલંબ અને રોજગારીમાં કોન્ટ્રાક્ટ આધારિત નીતિઓ જેવા મુદ્દાઓ ઉઠાવાયા. ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારાનો અભાવ હોવાનો પણ લોકોમાં અસંતોષ જોવા મળ્યો.
આ પ્રસંગે અમિત ચાવડાએ જણાવ્યું કે સરકાર માત્ર જાહેરાતો અને પ્રચાર કરે છે, પરંતુ જમીન પર વિકાસ દેખાતો નથી. રાજ્યમાં ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે, ત્યારે સરકાર મદદ કરવાની જગ્યાએ પેકેજના નામે પડીકું આપે છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતના માથે ₹56,000નું દેવું છે ત્યારે સરકારે તમામ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને જ્યાં સુધી દેવા માફ નહિ થાય ત્યાં સુધી કોંગ્રેસ આ મુદ્દે સંઘર્ષ ચાલુ રાખશે, તેમ તેમણે જણાવ્યું.
તેઓએ વધુમાં કહ્યું કે રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ થાય છે, પેપર લીકની ઘટનાઓ વારંવાર સામે આવે છે અને નોકરી મળી જાય તો ફિક્સ પેના નામે યુવાનોનું શોષણ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2027માં પરિવર્તન થશે અને કોંગ્રેસ સરકાર આવ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં ફિક્સ પે અને આઉટસોર્સિંગની પ્રથા બંધ કરવામાં આવશે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દુષણ ગંભીર હોવા છતાં સરકાર કાર્યવાહી કરતી નથી, કારણ કે બુટલેગરોના હપ્તા સીધા સત્તાના કેન્દ્ર સુધી પહોંચે છે. જો સરકારની નિયત હોય તો દારૂનું ટીપું પણ ન વેચાય, એવો આરોપ તેમણે કર્યો.
CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપ વોટ ચોરી કરે છે અને આ અંગે રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા સાથે ખુલાસો કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે બિહાર ચૂંટણીમાં મહિલાઓના મત મેળવવા ચૂંટણી પહેલાં 10,000 રૂપિયા તેમના ખાતામાં જમા કરાયા, તો ગુજરાતમાં વર્ષોથી સરકાર હોવા છતાં મહિલાઓને આવા લાભ કેમ આપવામાં આવ્યા નથી? તેમણે કહ્યું કે ગુજરાતનું ભલું માત્ર કોંગ્રેસ જ કરી શકે છે. 1986-87-88માં ભયાનક દુષ્કાળ દરમિયાન કોંગ્રેસ સરકારે છેવાડાના માણસ સુધી મદદ પહોંચાડી હતી.
યાત્રામાં ડૉ. તુષારભાઈ ચૌધરી, સહપ્રભારી શ્રી શુભાષિની યાદવ, બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, શ્રી કાંતિભાઈ ખરાડી, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા.