OTHER

ભગવાન બિરસા મુંડા ના 150 મા વર્ષ ની જન્મ જયંતી વર્ષની ઉજવણી

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ, 15મી નવેમ્બરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી નવતર પરંપરા સમગ્ર આદિવાસી સમાજનું મોટું સન્માન છે.

એટલું જ નહીં દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સેંકડો વર્ષ સુધી આદિવાસીઓએ ચલાવેલી લડતના યોગદાન પણ તેમણે ઉજાગર કર્યું છે.

વડાપ્રધાન  મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની આ વર્ષે ઉજવાઈ રહેલા ૧૫૦મી જન્મ જયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે આયોજિત સમારોહના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રી સંબોધન કરી રહ્યા હતા.

તેમણે આ અવસરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના 2500 જેટલા વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.

આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને 1 કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી.

રક્ષાબંધનના પવિત્ર પર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિજાતિ બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાબંધન પણ કર્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાએ “અબુઆ દિશુમ – અબુઆ રાજ” એટલે કે આપણો દેશ આપણું રાજના મંત્ર સાથે આદિવાસી યુવાઓને આઝાદી જંગ માટેની પ્રેરણા આપી હતી તેનું સ્મરણ કરીને ભગવાન બિરસા મુંડા ની ભાવ વંદના કરી હતી.

તેમણે ઉમેર્યું કે, આદિવાસી સમાજના ઉત્થાન માટે અત્યંત સંવેદનશીલ એવા ભગવાન બિરસા મુંડાના કાર્યો, જીવન કવનને આઝાદીના દશકો સુધી ઉપેક્ષિત રાખવામાં આવ્યા અને આદિવાસી સમાજ વિકાસથી વંચિત રહ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસ માટે અનેક યોજનાઓ સાકાર કરીને વિકાસની મુખ્ય ધારામાં તેમને લાવી દીધા છે એમ શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે દેશમાં 24 હજાર કરોડની પી.એમ. જનમન યોજના તેમજ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અન્વયે રાજ્યના 102 તાલુકાના 4,265 ગામોને યોજનાકીય લાભ અને વન અધિકાર અધિનિયમ-2006 અંતર્ગત 68 હજાર હેક્ટર વન જમીનના અધિકારપત્રો રાજ્યમાં આપવામાં આવ્યા છે તેની ભૂમિકા આપી હતી.

રાજ્ય સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓને એક દસકા માં 4300 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ અભ્યાસ માટે આપી છે તેમ પણ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના આદિવાસીઓએ આઝાદી ની લડતમાં આપેલા યોગદાન અને એમની શહાદતની સ્મૃતિમાં વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન, પાલદઢ વાવમાં વિરાંજલી વન તેમજ આદિવાસી સમાજનાં આસ્થા કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત@2047ના સંકલ્પને પાર પાડવામાં આદિવાસીઓના સહયોગને મહત્વનો ગણાવતા કહ્યું કે, વનબંધુ કલ્યાણ યોજનાથી આદિવાસીઓ માટે વૈશ્વિક વિકાસની તકો ખુલી છે.

તેમણે “વોકલ ફોર લોકલ” સ્વદેશીના વધુને વધુ ઉપયોગની વડાપ્રધાનશ્રીની હાકલ આદિવાસી સમાજ સ્થાનિક ઉત્પાદનો, કલાકારીગરીની ચીજવસ્તુઓ, મિલેટ અન્નના વ્યાપક ઉપયોગથી ઝિલી લે તેવો પ્રેરક અનુરોધ પણ કર્યો હતો

આદિજાતિ વિકાસ અને શ્રમ, રોજગાર રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પરભુ ભાઇ વસાવા તથા ધારાસભ્યો, પદાધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓ અને લાભાર્થી પરિવારો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં?

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

અદાણી પાવરે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા

સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શ્રૃંગાર’

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

Leave a Comment