ભારત-વિયેતનામ વ્યાપારીક સબંધો મજબૂત બનાવવા ગૌતમ અદાણીની પહેલ
વિવિધ ક્ષેત્રોમાં $10 બિલિયનનું રોકાણના સંકેત
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિયેતનામ સાથે ભારતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા પહેલ કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અદાણીએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામમાં $10 બિલિયનનું રોકાણ કરવાના સંકેત આપ્યા છે. અદાણી ગ્રુપ માળખાગત સુવિધાઓ, ઊર્જા, નવીનીકરણીય ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવી ઉભરતી તકનીકો સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગ લેવા આતુર છે.
તાજેતરમાં ગૌતમ અદાણીએ વિયેતનામના જનરલ સેક્રેટરી ટુ લેમ સાથે મુલાકાત યોજી હતી. તેમણે વિયેતનામને અગ્રણી તરીકે સ્થાપિત કરવા માટે ટુ લેમના સાહસિક સુધારાઓ અને દૂરંદેશી એજન્ડાની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, આ પરિવર્તનશીલ યાત્રામાં અમે યોગદાન આપવા અને વિયેતનામ-ભારત આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે આતુર છીએ.
અગાઉ X પર એક પોસ્ટમાં અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ વિયેતનામ કોમ્યુનિસ્ટ પાર્ટીના ટુ લેમના સુધારાઓ અને દૂરંદેશી એજન્ડાની પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઊર્જા, લોજિસ્ટિક્સ, બંદરો અને ઉડ્ડયનમાં વિયેતનામને પ્રાદેશિક અગ્રણી તરીકે સ્થાપિત કરવાના તેમના સાહસિક સુધારાઓ અને દૂરંદેશી એજન્ડા તેમની અસાધારણ વ્યૂહાત્મક દૂરંદેશીને પ્રતિબિંબિત કરે છે.
અદાણી ગ્રુપ તેના એશિયા-કેન્દ્રિત વૈશ્વિક વિસ્તરણને વેગ આપવા અગ્રેસર છે. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ પહેલાથી જ વિયેતનામમાં હાજરી ધરાવે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ હવે અદાણી જૂથ વિયેતનામના મુખ્ય દરિયાકાંઠાના શહેરોમાંના એક, દા નાંગમાં લિયાન ચીઉ બંદરના વિકાસમાં USD 2 બિલિયનથી વધુના રોકાણ પર વિચાર કરી રહ્યું છે. પ્રસ્તાવિત વિયેતનામ રોકાણો વિશ્વ કક્ષાના માળખાગત પ્લેટફોર્મ બનાવવાની અદાણીની વ્યૂહરચના સાથે સુસંગત છે.
આ વર્ષે જાન્યુઆરીમાં વિયેતનામ બ્રિક્સનું સભ્ય બન્યું છે. ભારત અને વિયેતનામ વચ્ચે આર્થિક, પરંપરાગત ગાઢ અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો છે. નાણાકીય વર્ષ 2024-25માં વિયેતનામ ભારતનું 20મું સૌથી મોટું વેપારી ભાગીદાર અને વૈશ્વિક સ્તરે 15મો સૌથી મોટો નિકાસકાર દેશ રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2025ના સત્તાવાર આંકડા અનુસાર, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $15.76 બિલિયન સુધી પહોંચી ગયો છે, જે વાર્ષિક ધોરણે 6.40 ટકાનો વધારો દર્શાવે છે. ભારતની વિયેતનામમાં નિકાસ $5.43 બિલિયન હતી જ્યારે ભારતની વિયેતનામથી આયાત $10.33 બિલિયન હતી.