ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના વતન એવા સુરતમાં જ લૂંટના બનાવથી હાહાકાર મચી ગયો છે.. એક જ્વેલર્સ શોરૂમમાં ગોળીબાર કરીને લૂંટારૂઓએ માલિકનું મોત નિપજાવ્યું હતું, જોકે લુંટની આ ઘટનામાં એક આરોપી ને પકડી લઇને લોકોએ ઢોર માર માર્યો હતો. આ લૂંટના બનાવવા મળેલા સીસીટીવીમાં આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડ્યો હતો
સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટની ઘટના બની હતી. રાત્રિના 8:30ની આસપાસ હથિયારો સાથે ચાર આરોપીઓ લૂંટના ઈરાદે શોરૂમમાં ત્રાટક્યા હતા. જોકે, લૂંટનો પ્રતિકાર કરતા શોરૂમના હાજર માલિક પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટના માં અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત છે. આ ઘટના બાદ ભાગી રહેલા આરોપીઓમાંથી એકને સ્થાનિક લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો, જે હાલ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ચાર લૂંટારુઓ શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા. શોરૂમમાં હાજર અશ્વિનભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતા જ લૂંટારુઓમાંથી એક આરોપીએ અશ્વિનભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીઓ અશ્વિનભાઈના છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.
લૂંટ કર્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે, અને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.
લોકોની હિંમતને કારણે ચાર આરોપીઓમાંથી એકને ઘટનાસ્થળેથી જ લોકોએ પકડી પાડ્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ આ આરોપીને માર માર્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એક આરોપીના હાથમાં લૂંટની બેગ પણ નજરે પડી હતી. પોલીસના અનુમાન મુજબ, આ બેગમાં લૂંટની જ્વેલરી હોઈ શકે છે. જોકે, તપાસમાં સામે આવ્યું છે કે લૂંટારુઓએ બે બેગમાં જ્વેલરી ભરી હતી, જેમાંથી એક શોપમાં જ રહી ગઈ હતી અને બીજી બેગ લઈને તેઓ નાસી છૂટ્યા હતા.
આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.