હિંમતનગરમાં વિકાસના નામે હુડા ખેડુતોની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે : અમિત ચાવડા

જન આક્રોશ યાત્રાના પાંચમા દિવસની શરૂઆત આજ રોજ હિંમતનગર શહેરથી કરવામાં આવી, જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસ આગેવાનોએ સરદાર પટેલજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી યાત્રાનો પ્રારંભ કર્યો.
દિવસ–5ની યાત્રા હિંમતનગર, પ્રાંતિજ, વાવડી, તલોદ, હરસોલ અને તાજપુર માર્ગે રોઝડ તરફ આગળ વધી. યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો જોડાયા અને માર્ગમાં ઠેર–ઠેર યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ગુજરાતની જનતા ખુલીને કહી રહી છે કે રાજ્યમાં પાણી ન મળે પરંતુ દારૂની હોમ ડિલિવરી થાય છે. હવે તો ગૂગલ લોકેશન નાખો એટલે દારૂ સીધું ઘર સુધી પહોંચાડવામાં આવે છે. જન આક્રોશ યાત્રા દરમ્યાન થરાદ સહિત અનેક વિસ્તારના પરિવારોની રજુઆત હતી કે પાણી નથી આવતું, પરંતુ દારૂની રેલમછેલ છે. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કારણ કે હપ્તાખોરી ચાલે છે. આ જ કારણસર અમે જીગ્નેશભાઈને પોલીસ સ્ટેશન મોકલ્યા હતા.
અને જ્યારે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે કારણ કે એમને લાગ્યું કે કોંગ્રેસ આ મામલે સક્રિય થઈ છે એટલે એમના બુટલેગરોને ખુલ્લા પાડશે એમના હપ્તાખોરી બંધ કરાવશે માટે હપ્તાખોરો અને બુટલેગરોને પોલીસના નામે યાત્રાનો વિરોધ કરવા મોકલે છે વિરોધ કરનારમાં પોલીસ પરિવારના એકપણ સભ્ય નથી હોતા વિરોધમાં ભાજપના હોદ્દેદારો અને બુટલેગરો દ્વારા મોકલાયેલા લોકો હોય છે.
સરકારમાં બેઠેલા લોકોમાં શરમ હોય તો એમને આદેશ કરવો જોઈએ કે દારૂબંધીવાળા ગુજરાતમાં જો કોઈપણ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ મળે તો સમગ્ર સ્ટાફ સસ્પેન્ડ કરવામાં આવશે. પરંતુ એમની ભાષા બુટલેગરોની વકીલાત કરતા હોય એવી છે. અને માટે જ આજે બુટલેગરો ખુલીને કહે છે કે અમારું કશું નહીં થાય કારણ કે અમારા હપ્તા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચે છે. અમારા ધંધામાં સત્તાવાળાઓ પણ ભાગીદાર છે.
ઈમાનદાર પોલીસ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે ઈમાનદાર પોલીસ કર્મીઓને અમે સલામ કરીએ છીએ. સાચા અને નીતિવાન પોલીસને કોઈનો ડર નથી ડર તો તેમને લાગે છે જે બે નંબરના ધંધામાં ભાગીદાર છે, હપ્તા લે છે અને બુટલેગરો સાથે સેટિંગ ધરાવે છે અને વિરોધ પણ આ જ લોકો કરે છે.
અંતમાં તેમણે જણાવ્યું કે ભાજપના શાસનમાં યુવાનો અને ખેડૂતો સાથે ગંભીર અન્યાય થઈ રહ્યો છે હિંમતનગરમાં વિકાસના નામે HUDA ખેડૂતોની જમીન હડપવાનો પ્રયાસ કરી રહી છે. દૂધના ભાવની માંગણી થાય તો સરકાર લાઠીચાર્જ કરે છે અને આ માટે સ્થાનિક યુવાએ શહીદી વહોરી છે વધુમાં વિસ્તારમાં અકસ્માતો અને કાયદો
વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત દયનીય છે. ભાજપ સરકાર દરેક મુદ્દે નિષ્ફળ સાબિત થઈ છે અને જન આક્રોશ યાત્રા આ અવાજને વધુ મજબૂતીથી ઉઠાવશે.”
CLP નેતા તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપના રાજમાં આજે સમાજના દરેક વર્ગના લોકો હેરાન પરેશાન છે ગઈકાલે અંકલેશ્વરના એક બહેન જેમને અનાજ નહોતું મળતું આ માટે તેઓ પરિવાર સાથે રજુઆત કરવા ગાંધીનગર સચિવાલય પણ આવ્યા ત્યાં પણ કોઈએ વાત ન સાંભળી આખરે એમણે દવા પીધી ત્યારે તંત્ર દોડતું થયું આ બહેરી સરકાર છે ત્યારે આવા લોકોને બદલવાનો સમય આવી ગયો છે આવી સરકાર હવે બદલી નાખવી જરૂરી છે
આ પ્રસંગે CLP નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ પટેલ સહિત વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા.