અદાણી પાવર અને ડ્રુક ગ્રીન પાવર ભૂતાનમાં ૫૭૦ મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપશે
ખાનગી ક્ષેત્રની ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની અદાણી પાવર અને ભૂટાન રાજ્યની માલિકીની જનરેશન યુટિલિટી ડ્રુક ગ્રીન પાવર કોર્પ. લિ.(DGPC) એ હિમાલ્યન ભૂતાન રાજ્યમાં ૫૭૦ મેગાવોટ વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પનું નિર્માણ કરવા માટે શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ પર આજે હસ્તાક્ષર કર્યા છે. આ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર સૈદ્ધાંતિક સમજૂતી કરવા ઉપરાંત અતિ અગત્યના વિકાસકાર ભૂતાનની શાહી સરકાર સાથે પ્રસ્તાવિત પ્લાન્ટ માટે કન્સેશન એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.
ભૂતાનના વડાપ્રધાન દાશો ત્શેરિંગ ટોબગે અને અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીની ઉપસ્થિતિમાં થયેલા આ કરારોના પરિણામે અદાણી પાવર અને DGPC માટે બિલ્ડ, ઓન, ઓપરેટ, ટ્રાન્સફર (BOOT) મોડેલ પર પીકિંગ રન-ઓફ-રિવર વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પના અમલીકરણનો માર્ગ મોકળો થશે.
વાંગચુ પ્રકલ્પમાં નવીનીકરણીય ઉર્જા પાવર પ્લાન્ટ અને સંબંધિત માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે લગભગ રુ. ૬૦ બિલિયનનું રોકાણ કરવામાં આવશે. આ અંગે તૈયાર થયેલ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટના આધારે તેનું નિર્માણકાર્ય ૨૦૨૬ના પહેલા છ માસમાં શરૂ કરી સંપૂર્ણ પ્રકલ્પ પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
અદાણી પાવરના સીઈઓ શ્રી એસબી ખ્યાલિયાએ જણાવ્યું હતું કે ટકાઉ વિકાસમાં ભૂતાન વિશ્વ માટે એક રોલ મોડેલ બન્યું છે ત્યારે આ નવીનીકરણીય ઉર્જા પ્રકલ્પ દ્વારા દેશના કુદરતી સંસાધનોના વિકાસમાં અગ્રણી ભૂમિકા અદા કરવાના અમારા ઉત્સાહની ફળશ્રુતિરુપે શ્રેષ્ઠ કામગીરી દ્વારા વાંગચુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પ જ્યારે હાઇડ્રો પાવર ઉત્પાદન ઓછું હોય છે તેવા સમયે ભૂટાનમાં શિયાળામાં ટોચે પહોંચતી માંગને ગંભીરતાથી પૂર્ણ કરવા અમે આશાવાદી છીએ.,. ઉનાળા દરમિયાન ભુતાન ભારતમાં વીજળી નિકાસ કરશે.
DGPCના મેનેજિંગ ડાયરેકટર દાશો છેવાંગ રિન્ઝિને આ પ્રસંગે કહ્યું હતું કે ૧૯૬૦ના દાયકાથી ભૂતાન અને ભારત ભૂતાનમાં રહેલી વિશાળ જળવિદ્યુત ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જળવિદ્યુત ક્ષેત્રમાં આ સહયોગના કારણે બંને દેશોને ખૂબ ફાયદો થયો છે તે બંને દેશો વચ્ચેના અનુકરણીય અને મૈત્રીપૂર્ણ સંબંધોને આભારી છે. ભૂતાન આગામી દાયકામાં ઉચ્ચ આવક ધરાવતો ગ્રોસ નેશનલ હેપ્પીનેસ (GNH) દેશ બનવા પ્રયાસ કરી રહ્યું છે, તેથી તેના નવીનીકરણીય ઉર્જા સંસાધનો જળવિદ્યુત અને સૌરઉર્જામાંથી વિશ્વસનીય અને સસ્તી વીજળીની ઉપલબ્ધતા જેવા પાસાઓના કારણે તેના આર્થિક વિકાસને આગળ વધારવા માટે અન્ય રોકાણોને સક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૪૦ સુધીમાં ભૂતાન વધુ ૧૫,૦૦૦ મેગાવોટ જળવિદ્યુત અને ૫,૦૦૦ મેગાવોટ સૌરઉર્જા ઉત્પાદનની ક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે. તેથી DGPC ૫૭૦ મેગાવોટ વાંગચુ જળવિદ્યુત પ્રકલ્પનું નિર્માણ કરવા માટે અદાણી સમૂહ સાથે ભાગીદારી કરતા ખુશ છે. કંપનીનું તકનીકી અને નાણાકીય સામર્થ્ય અને અદાણી સમૂહનો સમૃધ્ધ અનુભવ અને કુશળતાને લક્ષ્યમાં લેતા આ પ્રકલ્પનું ઝડપી અમલીકરણ થશે તેવી અપેક્ષા છે જે અન્ય આવા પ્રકલ્પ માટે એક માપદંડ સ્થાપિત કરશે. દાશોએ ઉમેર્યું હતું કે આ પ્રકલ્પ કાર્યરત થયા બાદ માત્ર ભૂતાનની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત નહી કરે પરંતુ ભુતાન અને ભારત વચ્ચે ગ્રીડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
અદાણી સમૂહ અને DGPC વચ્ચે મે-૨૦૨૫ માં હાઇડ્રોપાવર વિકસાવવા માટે થયેલી સમજૂતી(MoU) હેઠળ ભુતાનમાં સંયુક્ત રીતે ૫,૦૦૦ મેગાવોટ ક્ષમતાનો પ્રકલ્પ વાંગચુ પહેલો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પ છે.