પાલનપુરના જી.ડી. મોદી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પના ૧૫માં સંસ્કરણ અંતર્ગત સુઈગામ ખાતે કેમ્પમાં ભાગ લીધો હતો.આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ શારીરિક તાલીમ, યોગ, નિઃશસ્ત્ર કોમ્બેટ, જીવન રક્ષક તકનીકો, રૂટ માર્ચ, અવરોધ પાર કરવી, અંતરનું મૂલ્યાંકન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવાતા સપોર્ટ હથિયારો અને જીવન રક્ષક તકનીકોનું પ્રદર્શન પણ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સાબિત થયું હતું.
વિદ્યાર્થીઓએ નડાબેટનું ઐતિહાસિક મહત્ત્વ તથા ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ દરમિયાન બી.એસ.એફ.ની અગત્યની ભૂમિકા અંગે પણ જાણકારી મેળવી હતી. બોર્ડર આઉટપોસ્ટ (સીમા ચોકી) ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રણ ઓફ કચ્છ જેવા મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત બી.એસ.એફ જવાનોની પડકારજનક સેવા તથા સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.
આ બૂટ કેમ્પનો હેતુ યુવાનો માટે ભારતના સીમા રક્ષકોના જીવન અને સેવાની નજીકથી ઓળખાણ કરાવી તેમને સશક્ત અને પ્રેરિત કરવાનો હતો. આ કેમ્પ ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી તથા ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત યોજાયો હતો તેમ બી.એસ.એફ ગુજરાતના જન સંપર્ક અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.