ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે મત્સ્યોદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસની ભવ્ય ઉજવણી નિમિત્તે “દિવ્ય સેતુ”- સેમિનાર”નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીએ તેમના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, મારા જાહેરજીવનમાં મેં સતત સમાજનાં લોક ઉપયોગી કામો કર્યા છે, સમાજના કોઈ વ્યક્તિને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થઈ તે મુશ્કેલીને દૂર કરવાનું કામ મેં હરહંમેશા કર્યું છે. તેમણે લોકોને આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે આપણે લોકોના કામો કરીએ છીએ ત્યારે લોકોના આશીર્વાદ પણ મળતાં હોય છે. શિક્ષિત, સમૃદ્ધ, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે કામ કરતાં રહેવાની તેમણે ખાતરી આપી હતી.
રાજ્યના યુવા કોળી સેનાના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે, હું નાનપણથી જ મારા પિતાશ્રીના સેવા કાર્યોને સતત જોતો રહ્યો છું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ સેવાના કર્યો કરીએ છીએ. લોકોના કામ કરવા અને સમાજને પડતી મુશ્કેલીઓની વેળાએ તેમની પડખે ઉભા રહેવું એને હું મારૂં સદ્દભાગ્ય માનું છું. તેમણે કહ્યું કે, મારા પિતાશ્રીએ જે સપનાઓ જોયા હતાં એ સપનાને સાકાર કરવા એ મારી ફરજ છે. તેમણે સમાજનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તમારા બધાના આશીર્વાદથી સમાજના સર્વાંગી વિકાસ માટેના જે કામો કરી રહ્યાં છીએ, તેમાં મારા પિતાશ્રીનું સતત માર્ગદર્શન મળતું રહે છે. સરકારશ્રીની જન કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા કર્મીઓને તે દિશામાં કામ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. “ભાઈ એપ્લિકેશન એપ” સમાજના દિકરા-દિકરીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી પરશોત્તમભાઈ સોલંકીના વરદ હસ્તે “ભાઈ ઓનલાઇન એજ્યુકેશન 2.0” એપનું રિ-લોન્ચીગ કરાયું હતું. આ એપ થકી છેવાડાના અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકશે.
કોળી સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકી અને તેમના સુપુત્ર શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ કરેલા સમાજપયોગી કાર્યોને બિરદાવ્યા હતાં.
આ પ્રસંગે પ્રેરણાદાયી મોટિવેશનલ સ્પીકર શ્રી પારસ પાંધીએ જીવનના પડકારો સામે સફળતાપૂર્વક લડવા અંગે પ્રેરક વાર્તાલાપ કરી સૌને મંત્રમુગ્ધ કર્યાં હતાં.
આ પ્રસંગે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી આર.સી.મકવાણા, શ્રી દિપાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, શ્રી ભરતભાઈ મેર સહિત સમાજના અગ્રણીઓએ શ્રી દિવ્યેશભાઈ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી બુધેશભાઈ જાંબુચા, વિવિધ ક્ષેત્રોમાં સેવા આપી રહેલાં કોળી સમાજના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ, જિલ્લાના પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં કોળી સમાજના નવ યુવાનો અને મંત્રીશ્રીના કાર્યાલયનો સ્ટાફ સહિત મીરાંકુજનો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.