*અમદાવાદ જિલ્લામાં માર્ગ અને વિભાગ પંચાયત હસ્તકના કુલ-૩૬ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ*
રાજ્યના નાગરિકોને અવરજવરની સુવિધામાં મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો મુજબ અમદાવાદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વેગવંતુ બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, હાલ ચોમાસામાં વધુ વરસાદના લીધે અનેક રસ્તાઓને નુકસાન થયું છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકના દરેક તાલુકાના રસ્તાઓ પર થયેલ નુકસાનીનો સરવે કરી, નાગરિકોને અગવડ ન પડે તે માટે આ રસ્તાઓ યુદ્વના ધોરણે રિપેર કરવા તાંત્રિક સ્ટાફ સતત કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને વિભાગ પંચાયત દ્વારા આજ દિન સુધી દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ધોલેરા, વિરમગામ અને માંડલ તાલુકાના સર્વે કરાયેલ રસ્તાઓ પૈકી કુલ-૩૬ રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમજ એક રસ્તા પર ડામરપેચની કામગીરી ચાલુ છે. ઉપરાંત અન્ય ત્રણ રસ્તાની બન્ને બાજુ પર નડતરરૂપ ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ છે અને એક રસ્તા પર કામગીરી પ્રગતિમાં છે તથા અન્ય રસ્તાઓમાં પેચવર્ક અને બાવળ કટિંગની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આ કામગીરીમાં જેસીબી, ડમ્પર, ટ્રેક્ટરનો ઉપયોગ કરી મજૂરો દ્વારા સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેમ અમદાવાદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાયું છે.