સાબર ડેરી ખાતે પશુપાલકો પર લાઠીચાર્જમાં એક પશુપાલકના મોત પર AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તાનાશાહી ભાજપ સરકાર વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો..પશુપાલકો દૂધનો ભાવ વધારવાની માંગણી લઈને ગયા અને સરકારે લાઠીચાર્જ કરી મોત આપ્યું હોવાના ઈસુદાન ગઢવી આરોપ લગાવ્યો હતો..
આજે સાબર ડેરીમાં પોતાના લૂંટાઈ રહેલા પૈસાનો હિસાબ માગવા ગયેલા પશુપાલકો પર ભાજપ સરકારે પોલીસને હાથો બનાવીને લાઠીચાર્જ કરાવ્યો અને ટીયર ગેસના સેલ પણ છોડાવ્યા. જેમાં ઈડર તાલુકાના ઝીંજવા ગામના અશોકભાઈ ચૌધરી નામના પશુપાલકનું મોત નીપજ્યું છે. તેમની આત્માની શાંતિ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું તેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતુ..ભાજપ સરકારના રાજમાં ખેડૂતો અને પશુપાલકો પર અત્યાચાર થઈ રહ્યો છે જેને જરાય સાંખી લેવાય નહીં..ભાજપનો આ અહંકાર ચલાવી લેવાશે નહીં, ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોએ શું ગુનો કર્યો છે કે તમે આ હદે તેમના પર અત્યાચાર કરો છો તેવો સવાલ કરીને સરકાર ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી લઈ રહી છે તેમ પણ ઈસુદાન ગઢવીએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું..