ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જે અંતર્ગત આજે સવારે ૬:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં ૧૦ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ખેડાના નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં ૮-૮ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલ મુજબ, ખેડાના માતર તાલુકામાં ૭ ઇંચ કરતાં વધુ તેમજ વસો, મહુધા અને કઠલાલ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આણંદના ઉમરેઠ અને ખેડા તાલુકામાં ૪-૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
વધુમાં, રાજ્યના ૮ તાલુકામાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ, ૧૮ તાલુકામાં ૨ ઇંચથી વધુ, ૩૦ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, કુલ ૧૧૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૭ જુલાઈ, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૮ ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં ૬૪ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૪ ટકા જેટલો છે.