
વિનુ માંકડ અંડર-19 ટ્રોફી માં ગુજરાતનો વડોદરા સામે 8 વિકેટે વિજચ થયો
વિનુ માંકડ અંડર-19 ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના બોલર રુદ્ર એન પટેલના તરખાટ સામે બરોડાની ટીમ 25.1 ઓવરમાં 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ગુજરાતે બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પાર કરીને 8 વિકેટે જીત મેળવી છે.
બીસીસીઆઇ પ્રેરિત વિનુ માંકડ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં એલાઈટ યૂથ લિસ્ટ-એ 2025-26 અંતર્ગત આજે લાહલી ખાતે ગુજરાત અને બરોડા વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં બરોડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. બરોડાની ટીમ ગુજરાતનાં રુદ્ર એન પટેલના તરખાટ સામે 25.1 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાતનાં રુદ્ર એન. પટેલે 7.1 ઓવરમાં ફક્ત 13 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. બરોડાની ટીમ તરફથી એક માત્ર બેટર વિશ્વાસે 36 બોલમાં 2 સિક્સ અને 3 ફોર સાથે 32 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી રુદ્ર એન. પટેલે 7 વિકેટ અને હેનિલ પટેલે 21 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
બરોડાના 65 રનના લક્ષ્યાંકને ગુજરાતની ટીમે બે વિકેટ ગુમાવીને ફક્ત 10.4 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી હતી. જેમાં ગુજરાત તરફથી મૌલ્યરાજ ચાવડાએ 24 બોલમાં 1 સિક્સ અને 4 ફોર સાથે 30 રન બનાવ્યા હતા. જ્યારે બરોડા તરફથી કવિર દેસાઇએ 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ મેચમાં ગુજરાતે બરોડાને આઠ વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવીને વિજય રથને આગળ ધપાવ્યો છે.